શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018

ડાંગનો ગીરા ધોધ

દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ગુજરાતના જાણીતા ધોધ માનો એક છે. ડાંગ જિલ્લામાં આવેલું વઘઇ બસ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર આંબાપાડા આવેલું છે, ત્યાંથી દોઢેક કિલોમીટર દૂર ગીરા ધોધ આવેલો છે. ગીરા ધોધ તરફ જવાનો રસ્તો સાંકળો તેમજ લીલાછમ ખેતરો, વાંસ અને અસંખ્ય નાના-મોટા ઝાડી ઝાંખરાથી ધેરાયેલો છે. અડધા કિલોમીટર દૂરથી જ ધોધ પડવાનો મંદ-મંદ અવાજ સંભળાય છે. ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળતાની સાથે જ મન ઝૂમવા લાગે છે, અને ધોધ જોવાની આતુરતા વધવા લાગે.


ગીરા ધોધ અમેરિકાનાં નાયગ્રા જેવો બારમાસી ધોધ તો નથી પરંતુ ચોમાસામાં આ ધોધને નજરે નિહાળવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અહીંયા ત્રીસ મીટર ઊંચેથી સ્વયં અંબિકા નદી ગીરા ધોધ સ્વરૂપે નીચે ખાબકે છે અને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં અંબિકા નદી છલોછલ થતાં ગીરા ધોધનું જાજરમાન અને રોદ્ર સ્વરૂપ જોવા મળે છે. પાણી ઓછું હોય ત્યારે ધોધ અલગ-અલગ વહેણમાં બદલાઈ જાય છે. નીચે ખાબકતા દરેક વહેણ વચ્ચે એવી જુગલબંધી જોવા મળે છે જાણે 'ધોધ નીચે પડી એક-બીજાને સ્પર્શવા આતુર ના હોય!!'


વહેણ ધોધ સ્વરૂપ નીચે પડતાંની સાથે જ મૌન ધારણ કરી લે છે. મૌન ધારણ કરેલી નદી થોડી દૂર જતાં વળાંક લઈ પર્વતોની વચ્ચે ગર્ભ ધારણ ના કરી લેતી હોય એમ લાગે છે!! અંબિકાના કિનારે બેસી બસ એકીટશે ધોધને જોયા કરીએ તો પણ તેને જોવાની ઇચ્છા મનમાં અધુરી રહી ગઈ હોય એમ લાગે છે. આ અબોલ ટેકરીઓ વચ્ચેથી વહી રહેલાં ગીરા ધોધનાં નિર્મળ જળ જાણે કાંઈ કહી રહ્યા હોય તેવો અહેસાસ થયા વગર રહે જ નહીં. અહીંયા દર વર્ષે ઘણા પ્રવાસીઓ ધોધ જોવાનો લ્હાવો લેવા આવે છે. અંબિકા નદી કિનારે ઘરની શોભા વધારતાં વાંસ માંથી બનાવેલા વિવિધ આકર્ષિત સાધનો પણ જોવા મળે છે.

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2018

શું!! સાપુતારા જવાનું છે!!

હું પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે સાપુતારા વિશે એક પાઠ ભણ્યો હતો, ક્યાં ધોરણમાં આવતો એ બરાબર યાદ નથી પણ બે મુદ્દા ઝાંખા-ઝાંખા યાદ રહી ગયા કે સાપુતારામાં વાંસ અને સાપની સંખ્યા સૌથી વધારે છે. આ પાઠ ભણીને મનોમન સાપુતારા જોવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.


લગભગ પંદરેક દિવસ પહેલાં કોલેજ ગયો ત્યારે જુલી મેડમ તરફથી જાણવા મળ્યું કે "કોલેજ માંથી સાપુતારા પ્રવાસનું આયોજન કર્યું છે" "તારે આવું છે??" મેં આશ્ચર્ય સહ આનંદ સાથે કહ્યું "શું!! સાપુતારા જવાનું છે!! હા મેડમ હું જરૂર આવીશ" કહી મેડમનાં સુરમાં સુર મેળવ્યો. સાપુતારાનાં પ્રવાસનું નામ સાંભળતા વેંત 'ભૂખ્યાને ભાવતું ભાણું ના મળી ગયું હોય!' તેમ હું પ્રસન્ન થઈ ગયો. પ્રવાસનો દિવસ પણ 'વર્લ્ડ ટુરિઝમનાં દિવસે' જ નિર્ધારિત કર્યો હતો, તે મારું અહોભાગ્ય આ અવસરે સાપુતારાનો પ્રવાસ માણવાનો મોકો મળ્યો.


સાપુતારા પ્રવાસને લઈને હું એટલો ઉત્સાહિત હતો કે પંદર દિવસ પહેલાંથી જ સાપુતારાનાં જોવા લાયક સ્થળોની માહિતી ગૂગલમાં ફંફોશવા લાગ્યો, જેથી તે સ્થળોને માણવાનો લ્હાવો લગીરેય બાકી ના રહી જાય. માહિતી એકત્ર કરી પ્રવાસ માટે હું બરાબર તૈયાર જ હતો કે પાંચેક દિવસ પહેલાં બિમારીએ દ્વારે દસ્તક દીધી. બિમારીની ચુંગાલમાં તો હું એવો ફસાયો કે આંખ ઉંચી કરી સામે જોવાનીય ક્ષમતા મારામાં નહોતી. ડોક્ટર દ્વારા પણ પ્રવાસ રદ કરવાનાં દુઃખદ સમાચાર સાંપડ્યા. મેં ડોક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આપ યોગ્ય દવા આપો, હવે કોઈપણ સંજોગોમાં હું પ્રવાસ રદ કરવા તૈયાર નથી. સતત ત્રણ દિવસની દવાદારું બાદ હું બિમારીના ઝંજાળ માંથી હેમખેમ પાછો ફર્યો.


મારા માટે બીજો એક પ્રાણ પ્રશ્ન એ હતો કે આ પ્રવાસમાં કોણ આવશે તેનાથી હું અપરિચિત હતો. કારણ જર્નાલીઝમ ડિપાર્ટમેન્ટથી હું એકલો જ આ ટુર પર જઈ રહ્યો હતો. મિત્રો વગર બે દિવસ કેવી રીતે પસાર કરવા તે મારા માટે જટિલ પ્રશ્ન થઈ પડ્યો પરંતુ પ્રવાસમાં આવેલા સૌના મિલનસાર મિજાજનાં કારણે હું તેમનામાં 'દુધમાં સાંકરની જેમ ભળી ગયો,' બે દિવસમાં ઘણા મિત્રો બની ચૂક્યા હતા. આ પ્રવાસ દરમિયાન હું ઘરેથી એકલો નિકળ્યો હતો પણ અવિસ્મરણીય યાદો અને ઘણાં નવા મિત્રો મારા જીવન પર્યત સ્મૃતિમાં લઈ પરત ફર્યો.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

સેન્ટ પોલ ચર્ચ - દિવ


સેંટ પોલ ચર્ચ ભારતના પશ્ચિમ કિનારે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશના દિવ ટાપુ પર આવેલું છે. 16 મી સદીના પ્રારંભમાં દીવ પોર્ટુગીઝ વસાહતીઓના અંકુશ હેઠળ ભારત આવ્યા હતા અને ૧૬૧૦ માં લગભગ ૪૦૮ વર્ષ પહેલાં સેંટ પોલ ચર્ચની સ્થાપના કરી હતી. પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલા દિવમાં ત્રણ ચર્ચો માનું આ એક છે. તે ભારતના બેરોક આર્કિટેક્ચર (કલાત્મક શૈલી) ના શ્રેષ્ઠ ઉદાહરણોમાનું એક ગણવામાં આવે છે.

આ ચર્ચ ખંભાત અખાતના મુખમાં આવેલું છે. તેનું બાંધકામ ઈસ ૧૬૦૧થી શરૂ કરવામાં આવ્યું હતું. આ ચર્ચ સમાન બેસિલીકા ચર્ચની શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ ચર્ચ નું બાંધકામ ૧૬૧૦ પૂર્ણ થયું હતું. ચર્ચ નું બાંધકામ અવર લેડી ઓફ ઇમમક્યુલેટ કન્સેપ્શનને સમર્પિત હતું.

કલાત્મક શૈલીમાં બાંધવામાં આવેલ ચર્ચ મજબૂત અને ગોવા ચર્ચ સાથે સમાનતા દર્શાવે છે, પરંતુ આ ચર્ચ ઈ.સ. ૧૬૦૫ માં ગોવા ખાતે બનેલા બોમ જિસસ બેસિલીકા કરતાં વધુ સારી રચના અને ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. સેંટ પોલ ચર્ચ આ પ્રદેશના વસાહતો તથા પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચર્ચના આંતરિક ભાગમાં ગૂંચવણભરી કોતરણી કરેલી લાકડાની કળાથી શણગારવામાં આવેલી છે. જે ભારતના કોઇ પણ પોર્ટુગીઝ ચર્ચ માની સૌથી વિસ્તૃત કોતરણી માનવામાં આવે છે.

ચર્ચના આંતરિક ભાગમાં નાજુક સર્પાકાર સ્ક્રોલ જેવા આભૂષણ અને શેલ સાથે વિસ્તૃત અને પ્રભાવશાળી ડિઝાઇન બનાવેલી છે. ચર્ચની સામેનો દેખાવ ભારતમાં બાંધવામાં આવેલાં બધા પોર્ટુગીઝ ચર્ચનો સૌથી વિશાળ હોવાનું માનવામાં આવે છે. આ ચર્ચની વેદી સેન્ટ મેરીની છબી ધરાવે છે. જે બર્મીઝ સાગના એક ટુકડામાંથી બનાવેલ છે. અહીંયા ૧૦૧ મીણબત્તીઓ એક સાથે પ્રકાશિત કરી શકાય છે. ચર્ચમાં સફેદ સાગોળ સાથે ભવ્ય કોતરણી કરી સજાવટ કરેલી છે, જે મુખ્યત્વે ભારતીય કસબીઓની કારીગરીને આભારી છે. ગોવાના મોટાભાગના ચર્ચોની લાક્ષણિકતા પણ આ પ્રકારની છે.

માહિતી :- વિકિપિડીયા

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

પ્રમાણિક પોલિસ આણંદ શહેર

જનરલી સૌ કોઈને પોલીસનું નામ સાંભળતાની સાથે જ રુંવાટા ઉચા થઈ જતાં હોય છે. પોલીસને જોતા જ ડરની લાગણી અનુભવતા હોય છે. પોલીસ આપણી રક્ષા માટે દિવસ રાત ખડે પગે હોય છે તેનાથી શા માટે ડરવું!! પોલીસને જોતાં આપ સૌને સલામતીની અનુભૂતિ થાય તેવો ઉતમ દાખલો મેં છેલ્લા ત્રણેક દિવસમાં જોયો.

વાત જાણે એમ છે.

કિરીટ ઝાખરીયા અંકલ જેઓ મૂળ ભારતના છે પણ હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. તેમની જમીન તરફ જવાનો રસ્તો તેમની પાસેના જમીનદાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના રસ્તા અંગેનો કેસ ૨૦૧૦થી નામદાર કોર્ટમાં ચાલતો હતો. સાત વર્ષની લાંબી સફર બાદ ૨૦૧૭માં કેસનો કામચલાઉ ચૂકાદો કિરીટ ઝાખરીયા અંકલની તરફેણમાં મળ્યો. આ ચૂકાદાને નકારતા સામે વાળા પ્રાતવાદી તરફથી કોઈ અમલ થતો નહોતો. છેવટે તેમણે રૂબરૂ ભારતમાં આવી તેનો ઉકેલ લાવવાનું ઉચિત સમજ્યું.



ભારતમાં આવી તેઓ આણંદના માનનીય ડી.એસ.પી સાહેબ મકરંદ ચૌહાણ તથા તેમના નેજા હેઠળ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબને મળ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબના પ્રયત્નો, અને બન્ને જમીનદાર પક્ષની સર્વસંમતિથી માત્ર ત્રણ જ દિવસમાં તેમની જમીનના રસ્તાનો સુખદ ઉકેલ આવ્યો.



આણંદમાં ફરજ બજાવતા ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબ હમેશાં સામાન્ય માણસની સમસ્યાનો હલ લાવવા કટીબદ્ધતા દર્શાવે છે. દિવસ દરમિયાન જે પણ તેમની સમક્ષ સમસ્યા લઈને જાય તેનો તેઓ સફળ અને સુખદ ઉકેલ આપે છે. ડી.એસ.પી મકરંદ ચૌહાણ સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.કે.ગઢવી સાહેબની પ્રમાણિકતાને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. આવા નિષ્પક્ષ, નિષ્ઠાવાન પોલીસ આપણાં આણંદનાં આંગણે સેવા બજાવી રહ્યા હોય તે આપણા આણંદ વાસીઓનું સૌભાગ્ય છે...

ગુરુવાર, 3 મે, 2018

હેપ્પી બર્થડે ડિયર કેરોલ


લગભગ આઠ એક વર્ષ પહેલાં આ ફેસબુક જેવી ડિજિટલ દુનિયામાં જ્યારે નવો નવો પગ મૂક્યો ત્યારે નહોતી ખબર કે અહીંયાથી મને મારી જીવન સાથી મળશે, સાત વર્ષ પહેલાં જ્યારે તારી સાથે મિત્રતા બંધાઈ ત્યારથી જ હું તારો બંધાણી બની ગયો હતો. એજ પાંચ મિનિટની આપણી પહેલી મુલાકાત જ્યારે મેં તને પ્રથમ વખત જોઈ, ત્યારે આંખો સૂન થઈ ગઈ, મન સ્તબ્ધ થઈ ગયું, આબેહૂબ જાણે અપ્સરા સ્વર્ગ માંથી ઉતરી આવી હોય. વર્ણન કરું તો છીપલામા મોતી ચમકતા હોય તેવી તેની બે'ય આંખો, ગોળમટોળ એવા એના ગાલ. અને તેમાંથી નિર્દોષ સ્મિત ઝરે તો જાણે એમ લાગે કે વૈશાખના ધોમધખતા તાપમાં મેધ વર્સો.

પહેલી નજરે તારો નિર્દોષ ચહેરો આંખો અને હૈયે વસી ગયો. એટલે નહીં કે હું તારી સુંદરતા પર મોહિ ગયો પણ તારા સ્વભાવથી હું પ્રભાવિત થવા લાગ્યો હતો. પહેલી વખત જ્યારે મેં તને જોઇ ત્યારે જ મનમાં અનુમાન લગાવી દિધું હતું કે આટલી રૂપ સ્વરૂપવાન છોકરી મને કેમ કરી બોલાવે!! કેમ તે મારી સાથે મિત્રતા કરે!! કારણ અમારા વચ્ચે કોઈ સામ્યતા નહોતી. પણ મારા આ બધા અનુમાનોને કેરોલે ખોટા પાડ્યા ને થોડાક જ સમયમાં મારી સારી મિત્ર બની ગઇ.

કોણ જાણે કેમ પણ હવે મને તારા પ્રત્યે પોતિકાપણું થઈ ગયું. તારા નામ માત્ર થી લગાવ થઈ ગયો છે. તારી વાણીમાં સંયમ અને સ્વભાવમાં સરળતા બસ આજ ખૂબીઓને કારણે તું મારા મનમાં વસી ગઈ છું. તારું શરમથી માથું ઝુકાવીને હળવેથી બોલવાની સ્ટાઈલનો હું ચાહક બની ગયો છું. ભોળપણું અને શરમના સમણાં તો તારા રોમેરોમ માંથી છલકે છે, બસ આ ખૂબીઓ જ મને તારા પ્રત્યે વધુ આકર્ષિત કરે છે. કેરોલ તારી પરિવારને એક તાંતણે બાંધવાની ભાવના જોઈ તારા પ્રત્યેનો મારો આદર બમણો બનતો જાય છે.

મારા જીવનમાં જ્યારે દુઃખનો ભાર આવે ત્યારે દુઃખો તારા ખભે મુકતા જ હું હળવાશ અનુભવું છું, હતાશામાં તું જ મને નવું જોમ પુરું પાડે છે. કેરોલ તે મારા જીવનમાં પગલાં પાળ્યાં એજ ઇશ્વરની સૌથી મોટી ભેટ છે. આજે તારો જન્મદિવસ એટલે મારા માટે કોઈ 'તહેવાર' કે 'મહોત્સવથી' કમ નથી. તારા જન્મદિવસે મારા અંતરની અભિલાષા એટલી જ તું હમેશાં નાચતી, ગાતી, ઝૂંમતી, મોજ કરતી, આનંદ કરતી રહે...

- અંકિત

મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2018

'ઝાઝા હાથ રળિયામણા'




આજે ખંભોળજ કબ્રસ્તાનમાં સ્વ. અરવિંદભાઈની કબર ખોદવા ગયા, જેવા જ કબ્રસ્તાનમાં પગ મુક્યો કે આંખો સમક્ષ ચાર-છ ફુટ ઝીલના ઉગેલા નાના મોટા છોડ જોવા મળ્યાં, આ ઝીલ ના કારણે કેટલીક કબરો ઢંકાય ગયેલી જેવા મળી. કેટલી કબરોના જરાક અમથા ક્રોસ જ ઉપર દેખાતા હતા. ખંભોળજના યુવાનોએ મનોમન નિશ્ચિત કરી લીધું કે આજે આ કબ્રસ્તાનને સ્વચ્છ-સુંદર બનાવીને પરત ફરીશું...



પછી તો શું!!!

જેના હાથમાં પાવળા, કોદારી, ત્રિકમ જે પણ હતું તે લઈને મંડી પડ્યા. જ્યાં નજર પડે ત્યાં યુવાનો કાંઇક કરતા જ જોવા મળ્યા. કોઈ ઝીલ કાપતું, કોઇક કચરો એકત્ર કરતો, કોઇ વાડ સાફ કરતો, કોઇ કચરો સળગાવતો. કપડા ગંદા થાય તેની પરવાહ કર્યા વગર બધા મન પરોવીને સફાઇમાં જોડાય ગયા, બે કલાકની મહામહેનતે કબ્રસ્તાન જોતા જ અહો!! આશ્ચર્ય!! થાય તેવું સાફ સુત્રુ કરી દીધું.



સફાઇ કરી અમે સૌ શાંતિથી બેઠા ત્યાંતો શનિએ કહ્યું "હાશશ...સફાઇ તો થઈ ગઇ પણ કાયમ માટે થોડી ટકી રહેશે!! ઝીલ ફરી ઊગી નિકળશે અને પછી હતા એના એ હાલ!!" અમે સૌ એની વાત પર વિચારવા લાગ્યા. થોડા લાબું વિચાર્યા પછી શનિએ ફરી કહ્યું "આપણે કેમના એક કબ્રસ્તાન કમિટી બનાવીએ!! જે કબર ખોદાવથી લઈને, કબ્રસ્તાનની સફાઇ, પાવડા કોદારી, ત્રિકમ દરેક સાધનોની દેખરેખ રાખવાનું, કબ્રસ્તાનમાં લેવલીંગ કરાવવું, કબ્રસ્તાનમાં ફુલ છોડ ઉગાડવા જેવાં કામોનું બીડું ઝડપી લઈએ" અમે સૌ બેમત શનિની વાત સાથે સહમત થઇ 'કબ્રસ્તાન કમિટી' બનાવી અને હવે આવનારા સમયમાં ખંભોળજ કબ્રસ્તાનમાં સ્વચ્છતા સુંદરતા જળવાઈ રહે તેનું આયોજન કર્યું છે.



મને ગર્વ છે મારા ખંભોળજના મિત્ર મંડળ, ખંભોળજ યુવાનો પર જે આવા કાર્યોમાં પોતાનો સમય, શ્રમ અને પોતાનાથી બનતું યોગદાન આપવા સહમતિ દર્શાવી....

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018

છ વર્ષની સફળ યાત્રા



અંધારા દૂર થયા  ને આવ્યા અજવાળા,
વીતી ગયું દુઃખ ને સુખના થયા સરવાળા,

છ વર્ષની આ સફળ યાત્રા વીતી,
પ્રિત, લાગણી,  સંગ રાહ વીતી,

ઘણું  બદલાયું  જીવનમાં  નર્તન,
નથી બદલાયા તમે કે તમારાં વતૅન,

ચઢાવ ઉતાર ઘણાં જોયા પ્રેમના સંબંધમાં,
પણ તમ સહકારથી સફળ થયા બંધનમાં,

બાંધી એકમેક સાથે આ ભવની પ્રિત,
તો નિભાવી જાણીને સાથી સંગ રીત,

પુનરાવર્તન થાય છે નીતનવા દિવસોનું,
છતાં લાગે છે હજું પુરા વિશ્વાસોનું,

બસ રહીએ એકમેકના જીવનભર,
વીતાવીશું આ આખું જીવન શ્વાસભર...

નર્તન:- ગીત સાથે નૃત્ય.

- My beloved

બુધવાર, 7 ફેબ્રુઆરી, 2018

પાનખર ઋતુમાં કુદરતની કળા

ભારતમાં વસંત, શરદ, શીશીર, ગ્રીષ્મ, અને હેમંત એમ કુલ છ ઋતુઓ છે આ છ ઋતુમાં પાનખર ઋતુ (વસંત)નું વિશેષ મહત્વ છે, કારણ પાનખર ઋતુમાં પર્ણના અલગ અલગ રંગથી પ્રકૃતિને સોળે કળાએ ખીલેલી માણી શકાય છે. પાનખર ઋતુ ગુજરાતી પંચાગ પ્રમાણે માહ અને ફાગણ માહિનામાં આવે છે. પાનખર ઋતુ બાદ વસંતમાં નવા પર્ણ ફુટે છે.

પાનખર ઋતુને આજે નયને નિહાળી એક અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશતા જ વૃક્ષો રોડને બન્ને તરફે ઘેરવી લીધેલા નજરે નિહાળી શકાય છે, પણ આ વૃક્ષોનો આજે કાંઈક અલગ નજારો નજરે પડ્યો.


આ વૃક્ષોના લીલા-પીળા પર્ણો જાણે અમારું સ્વાગત કરતાં હોય એમ વર્ષી રહ્યાં હતાં, ભભકદાર વૃક્ષોનાં પર્ણો ડાળીઓથી વિખૂટા થઈ રોડ પર એ પ્રમાણે પથરાય ગયા હતા જાણે પ્રકૃતિએ જમીન પર લીલી-પીળી ચાદર ઓઢાડી હોય, સાથે મંદ મંદ વહેતો વાયરો આ પર્ણોને લઈને એક જગ્યાએ એકત્ર કરતો મસ્ત મધુર સંગીત ઉત્પન્ન કરતો હતો આ અવાજ સાંભળીને મન આનંદવિભોર થઈ ગયું.
પાનખરમાં સુકાઈ ગયેલા પર્ણો નીચે પડતા તો બીજી તરફ નવા ફુટી નિકળેલા પર્ણોથી ઝાડ લીલાછમ લાગતા હતા. આંબાના ઝાડ પર મૌરની મિજબાની કેરીઓના આગમનની આગાહી આપી રહી હતી. આ પાનખર ઋતુની નયનરમ્ય, સૌંદર્યને મનથી માણવાનો અનુભવ જ અનોખો હતો...

રવિવાર, 4 ફેબ્રુઆરી, 2018

માનવતા એજ મારો ધર્મ

ગયા અઠવાડિયે હું અને મારો મિત્ર કોલેજ માંથી છુટ્યા બાદ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં લંચ બોક્સ લઈ જમવા ગયા, સમય લગભગ એક વાગ્યાની આસપાસ હતો, મેદાનમાં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા અમે લંચ બોક્સ કાઢી મેચ જોતા જોતા જમવાનું ચાલું કર્યું.

એક-બે કોળીયા ખાધા એવામાં પાછળથી ધીમા અવાજે એક છોકરો બોલ્યો "સ્ટીકર લેવા છે" મેં છોકરાનો હાથ પકડી સામે બોલાવ્યો, તે બાળકનો ચહેરો જોવા પરથી લગભગ આઠ કે નવ વર્ષની ઉમરનો હોય તેવું લાગતું હતું, મેં તેને મારી પાસે બેસવા આગ્રહ કર્યો તે બેસી ગયો પછી મેં કહ્યું આ સ્ટીકર લઈને હું શું કરું? મેં પહેલાં પણ આ મેદાન માથી એક છોકરા પાસેથી સ્ટીકર લીધુ હતું એ હજુ પણ મારી પાસે એવું જ પડ્યું છે એટલે હું તારી પાસેથી સ્ટીકર તો નથી ખરીદતો પણ તને વાપરવા માટે થોડા પૈસા આપું છું.

મેં છોકરાને વાપરવા થોડા પૈસા કાઢીને આપ્યા, છોકરો પૈસા લઈ ખુશ થઈને જતો હતો. મેં હુકાર આપી તેને પાછો બોલાવ્યો અને પુછ્યું ભુખ લાગી છે? છોકરાએ પેટ પર હાથ મુકીને કિધું "હા ભુખ તો બહું લાગી છે" એટલે મેં ફરી તેને પાસે બેસી જમવા માટે આગ્રહ કર્યો તો છોકરાએ જે કહ્યું તે સાંભળીને અમને બન્નેને આશ્ચર્યની સાથે સાથે દુઃખ પણ થયું તેણે કહ્યું "મારી નાની બેન પણ ભુખી છે તમે આ એક કોથડીમાં બાંધી આપો તો હું અને મારી બેન સાથે જમીશુ" અમે બન્ને એ ખુશી ખુશી તેને લંચ એક કોથડીમાં પેક કરી આપ્યો, છોકરો ફરી ખુશ થઈ દોડતો દોડતો ગયો... અમે આજ સુધી જોઈ નહોતી એવી ખુશી એ બાળકના ચહેરા પર જોઈ અમને આનંદનો પાર ના રહ્યો...

એક ભાઈનો બહેન પ્રત્યે આવો પ્રેમ જોઈ અમને ઘણી ખુશી થઈ સાથે સાથે દુઃખ પણ થયું કે આટલા નાના છોકરાઓને પેટ માટે મજુરી કરવી પડે છે, ભણવાની હસવા રમવાની ઉંમરે આવી કોમળ કાયાને કાળી મજુરી કરવી પડે છે....😔😔

બુધવાર, 17 જાન્યુઆરી, 2018

પ્રિત નિભાવતો રહીશ


બાંધી છે તુજ સંગ જો પ્રિત તો નિભાવતો રહીશ,
આવશે જો આંખમાં આંસુ તો પોછતો રહીશ,

મળશે જો પ્રેમમાં દુઃખના ડુંગરો તો સર કરતો રહીશ,
તુજને પામવા હૂં દુનિયા સાથે ભીડતો રહીશ,

તરસ છીપાવવા પ્રેમની હું તારામાં જ ડૂબતો રહીશ,
જોવા તુજની એક ઝલક હું રાતભર જાગતો રહીશ,

મળશે જો પ્રેમમાં શમણાં વિષના તો પીતો રહીશ,
તુજ નામે આ જિંદગી બસ તુજ પર વહાવ તો રહીશ...

ફોટો ગૂગલની દેન...

- અંકિત ડાભી

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...