શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018

ડાંગનો ગીરા ધોધ

દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ગુજરાતના જાણીતા ધોધ માનો એક છે. ડાંગ જિલ્લામાં આવેલું વઘઇ બસ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર આંબાપાડા આવેલું છે, ત્યાંથી દોઢેક કિલોમીટર દૂર ગીરા ધોધ આવેલો છે. ગીરા ધોધ તરફ જવાનો રસ્તો સાંકળો તેમજ લીલાછમ ખેતરો, વાંસ અને અસંખ્ય નાના-મોટા ઝાડી ઝાંખરાથી ધેરાયેલો છે. અડધા કિલોમીટર દૂરથી જ ધોધ પડવાનો મંદ-મંદ અવાજ સંભળાય છે. ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળતાની સાથે જ મન ઝૂમવા લાગે છે, અને ધોધ જોવાની આતુરતા વધવા લાગે.


ગીરા ધોધ અમેરિકાનાં નાયગ્રા જેવો બારમાસી ધોધ તો નથી પરંતુ ચોમાસામાં આ ધોધને નજરે નિહાળવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અહીંયા ત્રીસ મીટર ઊંચેથી સ્વયં અંબિકા નદી ગીરા ધોધ સ્વરૂપે નીચે ખાબકે છે અને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ચોમાસામાં અંબિકા નદી છલોછલ થતાં ગીરા ધોધનું જાજરમાન અને રોદ્ર સ્વરૂપ જોવા મળે છે. પાણી ઓછું હોય ત્યારે ધોધ અલગ-અલગ વહેણમાં બદલાઈ જાય છે. નીચે ખાબકતા દરેક વહેણ વચ્ચે એવી જુગલબંધી જોવા મળે છે જાણે 'ધોધ નીચે પડી એક-બીજાને સ્પર્શવા આતુર ના હોય!!'


વહેણ ધોધ સ્વરૂપ નીચે પડતાંની સાથે જ મૌન ધારણ કરી લે છે. મૌન ધારણ કરેલી નદી થોડી દૂર જતાં વળાંક લઈ પર્વતોની વચ્ચે ગર્ભ ધારણ ના કરી લેતી હોય એમ લાગે છે!! અંબિકાના કિનારે બેસી બસ એકીટશે ધોધને જોયા કરીએ તો પણ તેને જોવાની ઇચ્છા મનમાં અધુરી રહી ગઈ હોય એમ લાગે છે. આ અબોલ ટેકરીઓ વચ્ચેથી વહી રહેલાં ગીરા ધોધનાં નિર્મળ જળ જાણે કાંઈ કહી રહ્યા હોય તેવો અહેસાસ થયા વગર રહે જ નહીં. અહીંયા દર વર્ષે ઘણા પ્રવાસીઓ ધોધ જોવાનો લ્હાવો લેવા આવે છે. અંબિકા નદી કિનારે ઘરની શોભા વધારતાં વાંસ માંથી બનાવેલા વિવિધ આકર્ષિત સાધનો પણ જોવા મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...