લગભગ આઠ એક વર્ષ પહેલાં આ ફેસબુક જેવી ડિજિટલ દુનિયામાં જ્યારે નવો નવો પગ મૂક્યો ત્યારે નહોતી ખબર કે અહીંયાથી મને મારી જીવન સાથી મળશે, સાત વર્ષ પહેલાં જ્યારે તારી સાથે મિત્રતા બંધાઈ ત્યારથી જ હું તારો બંધાણી બની ગયો હતો. એજ પાંચ મિનિટની આપણી પહેલી મુલાકાત જ્યારે મેં તને પ્રથમ વખત જોઈ, ત્યારે આંખો સૂન થઈ ગઈ, મન સ્તબ્ધ થઈ ગયું, આબેહૂબ જાણે અપ્સરા સ્વર્ગ માંથી ઉતરી આવી હોય. વર્ણન કરું તો છીપલામા મોતી ચમકતા હોય તેવી તેની બે'ય આંખો, ગોળમટોળ એવા એના ગાલ. અને તેમાંથી નિર્દોષ સ્મિત ઝરે તો જાણે એમ લાગે કે વૈશાખના ધોમધખતા તાપમાં મેધ વર્સો.
પહેલી નજરે તારો નિર્દોષ ચહેરો આંખો અને હૈયે વસી ગયો. એટલે નહીં કે હું તારી સુંદરતા પર મોહિ ગયો પણ તારા સ્વભાવથી હું પ્રભાવિત થવા લાગ્યો હતો. પહેલી વખત જ્યારે મેં તને જોઇ ત્યારે જ મનમાં અનુમાન લગાવી દિધું હતું કે આટલી રૂપ સ્વરૂપવાન છોકરી મને કેમ કરી બોલાવે!! કેમ તે મારી સાથે મિત્રતા કરે!! કારણ અમારા વચ્ચે કોઈ સામ્યતા નહોતી. પણ મારા આ બધા અનુમાનોને કેરોલે ખોટા પાડ્યા ને થોડાક જ સમયમાં મારી સારી મિત્ર બની ગઇ.
કોણ જાણે કેમ પણ હવે મને તારા પ્રત્યે પોતિકાપણું થઈ ગયું. તારા નામ માત્ર થી લગાવ થઈ ગયો છે. તારી વાણીમાં સંયમ અને સ્વભાવમાં સરળતા બસ આજ ખૂબીઓને કારણે તું મારા મનમાં વસી ગઈ છું. તારું શરમથી માથું ઝુકાવીને હળવેથી બોલવાની સ્ટાઈલનો હું ચાહક બની ગયો છું. ભોળપણું અને શરમના સમણાં તો તારા રોમેરોમ માંથી છલકે છે, બસ આ ખૂબીઓ જ મને તારા પ્રત્યે વધુ આકર્ષિત કરે છે. કેરોલ તારી પરિવારને એક તાંતણે બાંધવાની ભાવના જોઈ તારા પ્રત્યેનો મારો આદર બમણો બનતો જાય છે.
મારા જીવનમાં જ્યારે દુઃખનો ભાર આવે ત્યારે દુઃખો તારા ખભે મુકતા જ હું હળવાશ અનુભવું છું, હતાશામાં તું જ મને નવું જોમ પુરું પાડે છે. કેરોલ તે મારા જીવનમાં પગલાં પાળ્યાં એજ ઇશ્વરની સૌથી મોટી ભેટ છે. આજે તારો જન્મદિવસ એટલે મારા માટે કોઈ 'તહેવાર' કે 'મહોત્સવથી' કમ નથી. તારા જન્મદિવસે મારા અંતરની અભિલાષા એટલી જ તું હમેશાં નાચતી, ગાતી, ઝૂંમતી, મોજ કરતી, આનંદ કરતી રહે...
- અંકિત